Birbal Ni Chaturai

બીરબલની ચતુરાઈ

એક દિવસ એક ગરીબ બ્રાહ્મણ બીરબલ ને મળવા માટે આવ્યો.
બ્રાહ્મણે બીરબલ પાસે વિચિત્ર જાતની સમસ્યા રજુ કરી કે "બીરબલજી, આખું શહેર મારી મશ્કરીઓ કરે છે અને કહે છે કે હું તો એક દમ બોઘો છું, છતાં પણ બીરબલજી મારે તો પંડિત બનવું છે, પણ મારી મુસીબત એ છે કે મને કશુજ આવડતું નથી."
બીરબલે તેને કહ્યું કે "એવી રીતે પંડિત ના બની શકાય, એના માટે તારે ભણવું જ રહ્યું."
બ્રાહ્મણ "તમે તો રાજા અકબરના દરબારના રત્ન છો અને તમને આખા દરબારમા સૌથી ચતુર ગણવામા આવે છે. જો તમે મને મદદ નહિ કરી શકો તો પછી તમારી ચતુરાઈ શું કામની? માટે તમારે મને પંડિત તો બનાવવોજ પડશે."
બીરબલ કોને કહ્યો !!! ....... તરતજ એક વિચાર બીરબલના મગજમા ઝબકયો અને પેલા બ્રાહ્મણને કહ્યું કે  "હું તને જરૂર પંડિત બનાવીશ પણ તારે હું કહું એમ કરવું પડશે."
બ્રાહ્મણ પણ બીરબલનું કહ્યું કરવા માટે તૈયાર થઈ ગયો.
બીરબલે કહ્યું "તો પછી સંભાળ, કાલે સવારે તું ચોકમા બેસજે, અને તને કોઈ પંડિત કહીને બોલાવે તો તુ તેને મારવા માટે દોડજે. અને પછી જે કોઈ તને પંડિત કહે તેને તારે મારવા દોડી જવાનું."
બ્રાહ્મણ ભલે કહીને નીકળી ગયો.
બીજા દિવસે સવારે બ્રાહ્મણ ચોકમા બેઠો હતો ત્યારે બીરબલે ત્યાં ઉભેલા એક નાનકડા છોકરા ને કહ્યું કે "પેલા બ્રાહ્મણ ને જઈને પંડિત કહે જા મજા આવશે."
નાનકડા છોકરાએ પેલા બ્રાહ્મણ ને  જઈને પંડિત કહ્યું અને પેલો બ્રાહ્મણ તેને મારવા માટે દોડી ગયો.
આ જોઈ ને આજુ બાજુ બેઠેલા છોકરાઓને પણ ગમ્મત સુજી અને બધા બ્રાહ્મણને પંડિત કહી ને ચીડવવા લાગ્યા.
બ્રાહ્મણ પણ બીરબલની સલાહ મુજબ બધાને મારવા માટે દોડી જતો હતો.
૨ - ૩ દિવસમા તો આખા શહેરને આ વાતની ખબર પડી અને બધા લોકો બ્રાહ્મણને પંડિત કહીને ચીડવવા લાગ્યા.
બ્રાહ્મણ પણ બધાને મારવા માટે દોડી જતો હતો.
દસેક દિવસ પછી બ્રાહ્મણ બીરબલ ને ફરી મળવા ગયો અને કહેવા લાગ્યો કે "હું તો દોડી દોડી ને થાકી ગયો છું. હવે મારે ક્યાં સુધી આમ સૌની પાછળ દોડવાનું છે??"
બીરબલે કહ્યું કે "તુ હવે પંડિત થઇ ગયો છે અને તારે હવે દોડવાની કોઈ જરૂર નથી."

આમ પેલા બ્રાહ્મણે ચીડાવનાર લોકોની પાછળ દોડવાનું બંધ કર્યું પણ લોકો તો તેને પંડિત કહીનેજ બોલવતા થઇ ગયા.